આ નભ ઝૂક્યું તે કાનજી..!

આ નભ ઝૂક્યું તે કા’નજી
ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કા’નજી
                              ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
                              ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
                              ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
                              ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
                              ને નજરું જુએ તે રાધા રે.

*-*-*પ્રિયકાંત મણિયાર*-*-*