હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણજીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી
મારી આંખે દીસે છે ગિરધારી રે ધારી
મારું તનમન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
નિત્ય કરતાં શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીના કીધાં રે દર્શન, મારું મોહી લીધુ મન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ન મળે
વારે વારે માનવ દેહ કદી ન મળે
ફેરો લખ રે ચોરાસીનો મારો રે ફળે, મને મનમોહન મળે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારા અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણમાં શ્રીનાથજી દયા રે કરી
મને તેડાં રે જમ કેરાં કદી ન આવે, મને મારો વહાલો બોલાવે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી