
પંપા સરોવર પાળ, શબરીની ઝુંપડી,
માતંગ ઋષીને દ્વાર શબરીની ઝુંપડી.
રામજી પધારશે ને લક્ષ્મણજી આવશે,
ફુલડા પાથરશે ને અક્ષતે વધાવશે,
કંકુના છાંટણા કરાય, શબરીની ઝુંપડી.
રામજી પધારશે તો ક્યાં રે બેસાડશે ?
આંસુડા આવશે ને પાય પખાળશે.
ગોદડીના આસન દેવાય, શબરીની ઝુંપડી.
ફળ વીણી લાવશે ને બોર વીણી લાવશે,
પાન તોડી લાવશે ને પડીયા બનાવશે,
પડીયામાં પાણી પવાય,શબરીની ઝુંપડી.
આચમન કરાવશે ને અર્ઘ્ય દાન આપશે,
હારલા પરોવશે ને હાથ જોડી ઉભાશે,
ભોજનમાં બોર અપાય શબરીની ઝુંપડી.
શબરી બોર ચાખશે ને રામજીને આપશે,
એઠાં બોર ચાખશે ને લક્ષ્મણને શરમાવશે,
અંતરનો ભાવ કહેવાય,શબરીની ઝુંપડી.